બા-અદબ

Posted in Navesar on May 5, 2008 by DR.MAHESH RAWAL

એક ઈચ્છા સળવળે છે,બા-અદબ
ટેરવે દીવા બળે છે,બા-અદબ

લોઢ ઊછળે લાગણીના,ભીતરે
જેમ દરિયો ખળભળે છે,બા-અદબ

ભૂખ ઉઘડી સાત ભવની,આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે,બા-અદબ

સ્હેજપણ અંતર હવે નહીં પાલવે
સર્વ અંતર પીગળે છે,બા-અદબ

શક્ય છે,ઈતિહાસ આલેખે નવો
સરફરોશી ઝળહળે છે,બા-અદબ

થઈજશે સાતેય કોઠા તર-બ-તર
જળ,કમળથી નીકળે છે બા-અદબ

હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એજ સહુને સાંકળે છે,બા-અદબ

ડો.મહેશ રાવલ

નવેસર/૫૭

 

અંશ

Posted in Navesar on April 24, 2008 by DR.MAHESH RAWAL

અધપીળી ડાળીની છેવાડું કૂંપળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ
પથ્થરને ખોતરતાં ઝરણાની ખળખળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

શ્રધ્ધાનાં કુમકુમ ‘ને વિશ્વાસુ ચોખા લઈ,નીકળેલો માણસનો સંઘ
શગ જેવા શ્વાસોમાં ઓગળતી પળ-પળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

બાળક થી બાળકનો ઘટનાક્રમ જાળવતી,ઘટમાળે વીંટાતા મન
અદના થી અદકેરાં સગપણની સાંકળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

રૂપાળી ઈચ્છાલઈ નમણાશે નિતરતાં હૈયે ઉભરાતો ઉમંગ
ઘેરાતી આંખોનાં ઘૂંટાતા કાજળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

ડો.મહેશ રાવલ

નવેસર/૫૬
                   

શું કરું ?

Posted in Navesar on April 19, 2008 by DR.MAHESH RAWAL

રોજ સરવાળા કરી લઉં, શું કરું ?
સ્વપ્નના ખિસ્સા ભરી લઉં, શું કરું?

એકલો નીકળી પડું એકાંત લઈ
એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?

આંખ મીંચું કે ઉઘાડું-કંઈ નથી
આંસુ છે, બસ ખોતરી લઉં શું કરું ?

લાગણી શેવાળ થઈગઈ, ટેરવે
ભેજ મનમાં સંઘરી લઉં, શું કરું ?

થઈગયો ભૂતકાળ, અંદર-બ્હારથી
ઓટ જેવું ઓસરી લઉં, શું કરું ?

જિંદગી, ગઈકાલ જેવી ક્યાં હતી ?
તોય એને આવરી લઉં, શું કરું ?

આ નહીં, તો આવતે ભવ છુટશું
એમ સમજીને મરી લઉં, શું કરું ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૫

કોરા જણાઈએ !

Posted in Navesar on April 14, 2008 by DR.MAHESH RAWAL

ક્યારેક, અનરાધારમાં કોરા જણાઈએ
આખા ઉઘાડા દ્વારમાં, કોરા જણાઈએ !

મળતાં જ રહીએ નિત્યક્રમને સાચવી, છતાં
થોડીક અમથી વારમાં, કોરા જણાઈએ !

મબલખ મળે ભીનાશ બારોબાર, શક્ય છે
પણ આપણાં વિસ્તારમાં, કોરા જણાઈએ !

રસ્તો કરી, જે આંગણેથી ઊંબરે ગયા
એ જાણતલ અણસારમાં, કોરા જણાઈએ !

તસ્વીર આપે યાદ મૂશળધાર, પ્રેમની
ખુદ, ફ્રેમના આકારમાં કોરા જણાઈએ !

વરસો પછી ય લાગણી હો બેસુમાર, પણ
સંબંધના સ્વીકારમાં, કોરા જણાઈએ !

એકાદ પળ એવું બને, દરિયો બનો-અને
બીજી પળે, વ્યવહારમાં કોરા જણાઈએ !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૪

સુવર્ણાક્ષર

Posted in Navesar on April 11, 2008 by DR.MAHESH RAWAL

જે તફાવત રાખવા તત્પર હતાં
એ બધા ક્યાં એટલાં સધ્ધર હતાં !

વેંત છેટું મોત પણ દેખાય નહીં
આંખસામે કઈ વકલના થર હતાં !

એકમાંથી નીકળો,બીજે ફસો
જિંદગીમાં કેટલાં ચક્કર હતાં !

મેં ય પીધા ઘૂંટ કડવા આખરે
એજ,શું સંબંધના વળતર હતાં?

સૂર્ય જેવા સૂર્યને લાગે ગ્રહણ
તો મનુષ્યો,કઈ અસરથી પર હતાં !

માન્યતા ખોટી ઠરી છે,ઘર વિષે
ઈંટ,રેતી,પથ્થરોનાં થર હતાં !

કેમ અંકિત થઈ શકે ઈતિહાસમાં?
ક્યાં હવે એવા સુવર્ણાક્ષર હતાં !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૩

આપણી વચ્ચે હશે ?

Posted in Navesar on April 7, 2008 by DR.MAHESH RAWAL

દરિયો ગણાતા કેટલાં રણ આપણી વચ્ચે હશે
હોવા છતાં હોતા નથી પણ આપણી વચ્ચે હશે ?

ચર્ચાય એવા પુખ્ત કિસ્સા આજ પણ અકબંધ છે
શું એજ કિસ્સા,એજ પ્રકરણ,આપણી વચ્ચે હશે ?

આખા મલકને ભીંજવી રહીજાય તરસ્યા છેવટે
જળ ઝંખતા નખશિખ શ્રાવણ,આપણી વચ્ચે હશે ?

વા વાય તો વંટોળમાં ગોત્યા જડે નહીં ક્યાંય,પણ
સૂરજ થવા નીકળેલ રજકણ,આપણી વચ્ચે હશે ?

પડઘા પડે એવા હવે કોઇ સાદ પણ કરતું નથી
સંદિગ્ધતાના મૂળકારણ,આપણી વચ્ચે હશે ?

આકાર કેવળ ક્યાં હતો પર્યાપ્ત,માણસ થઈજવા
સાબિત થયેલા એક-બે જણ,આપણી વચ્ચે હશે ?

રસ્તે જતાં સામા મળે,એ ક્યાં બધા અંગત હતા
ઓળખ ગણાતું કોઇ વળગણ,આપણી વચ્ચે હશે ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૨

ક્યાં ખબર છે ?

Posted in Navesar on March 29, 2008 by DR.MAHESH RAWAL

કોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
ક્યાંસુધી લઈજાય અંજળ, ક્યાં ખબર છે ?

મેં ય ગાળ્યા વીરડા મારા ગજાનાં
કઈ વકલનું નીકળે જળ, ક્યાં ખબર છે ?

થઈ શકે છે આજ રસ્તે, લક્ષ્યપૂર્તિ
હોય નિશ્ચિત કઈ ઘડી-પળ, ક્યાં ખબર છે ?

શક્ય છે આંટી પડી હો ક્યાંક, વચ્ચે
કેટલાં ઉતરે-ચડે વળ, ક્યાં ખબર છે ?

પ્રજ્વલિત વેદી, કપૂરીશ્વાસ ઝળહળ
કઈ પળે હોમાય શ્રીફળ, ક્યાં ખબર છે ?

ઝંપલાવ્યું છે ફકત, તારા ભરોસે
કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?

સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
શાંતચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૧

ઈતિહાસ બદલાવી શકે !

Posted in Navesar on March 26, 2008 by DR.MAHESH RAWAL

એક ક્ષણ ઈતિહાસ બદલાવી શકે
વિસ્તરણ ઈતિહાસ બદલાવી શકે !

હોય કેવળ સત્યનો આધાર તો
એક જણ ઈતિહાસ બદલાવી શકે !

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

દબદબો અકબંધ હો સંબંધનો
તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

થઈ જુઓ પ્રેમી, પછી સ્વીકારશો
પ્રેમ પણ ઈતિહાસ બદલાવી શકે !

તારવી’લ્યે જળ અને મૃગજળ અલગ
તો, હરણ ઈતિહાસ બદલાવી શકે !

શક્ય છે, ઓછી પડે આ જિંદગી
ત્યાં, મરણ ઈતિહાસ બદલાવી શકે !

મેળવી લેવાય જો ટાણાસમું
મેળવણ, ઈતિહાસ બદલાવી શકે !

હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૦

ખ્યાલ પણ આવ્યો નહીં !

Posted in Navesar on March 23, 2008 by DR.MAHESH RAWAL

ખુદ સવાલી થઈ જવાનો,ખ્યાલ પણ આવ્યો નહીં
એમ બદલી, કે હવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર લીલોતરી
પાંદડું પીળું થવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

રોજ નવતર રૂપ લઈ વીંટળાઈ ગઈ ઈચ્છા, મને
જાત અળગી રાખવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

વ્યસ્ત રાખ્યો એટલો દર્દોએ, આખી જિંદગી
કે અસરકારક દવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

ઝેરનું સૌભાગ્ય કે, હર આંખ ઝેરી નીકળી !
કોઈ મારણ યોજવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

પથ્થરોવચ્ચે અમે શોધ્યો સતત, ઈશ્વર તને
ફૂલમાં પંપાળવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

ડો. મહેશ રાવલ

નવેસર/૪૯  

શબ્દપણ જડતાં નથી !

Posted in Navesar on March 20, 2008 by DR.MAHESH RAWAL

અંતની શરૂઆત લખવા, શબ્દપણ જડતાં નથી
રાત જેવી રાત લખવા, શબ્દપણ જડતાં નથી !

શક્ય છે, શબ્દોવગર ઉકલી શકે કિસ્સા નવા
પણ જૂની કોઇ વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

થઈ શકે હસતાં જ રહેવાનો અભિનય, બ્હારથી
ભીતરી કલ્પાંત લખવા, શબ્દપણ જડતાં નથી !

અન્યની ચર્ચા હશે તો, ધોધ વહેશે શબ્દનો
ખુદ વિષે બે વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

નામ, અમથું ક્યાં મળે છે કોઇપણ સંબંધને ?
તે છતાં, જઝબાત લખવા શબ્દપણ જડતાં નથી !

દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૮